Monday 14 December 2015

ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું, મહા હેતવાળી દયાળી જ મા તું.

એક બાળકની માતા મૃત્યુ પામી. જે સમયે બાળકને પોતાની માતાના સ્નેહની સૌથી વધુ જરુર હતી ત્યારે જ માતાએ આ જગતમાંથી વિદાય લીધી. બાળકની ઉંમર ઘણી નાની હતી આથી બાળકનું ધ્યાન રહે તે માટે પરિવારના આગ્રહથી બાળકના પિતાએ ઇચ્છા ન હોવા છતા બીજા લગ્ન કર્યા.
ઘરમાં નવી મા આવી. શરુઆતમાં તો નવી મા બાળકનું ધ્યાન રાખતી પણ થોડા જ સમયમાં એણે બાળકને ત્રાસ આપવાનો શરુ કર્યો. ક્યારેય ક્યારેક બાળકને મારે પણ ખરી. એને એમ હતુ એ એના આ ત્રાસની બાળક મુરઝાઇ જાશે પણ ઉલટાનો બાળક તો દિવસે અને દિવસે તાજો માજો થતો જતો હતો.
સાવકી મા વિચારમાં પડી. હું આટલો બધો ત્રાસ આપુ છુ. પુરતુ ખાવા પણ નથી દેતી તો પછી આ છોકરો આવો તાજો માજો કેમ રહે છે ? છોકરાનો બાપ રોજ સવારે કામ પર જતા પહેલા છોકરાને એક રુમમાં લઇ જતો. રૂમ બંધ કરીને 4-5 મીનીટ બાપ-દિકરો એકાંતમાં ગાળતા અને પછી બહાર નીકળતા.
પેલી સ્ત્રીને વિચાર આવ્યો કે હું પરણીને આવ્યા પછી મને આ રૂમમાં ક્યારેય આવવા દીધી નથી. મને લાગે છે કે છોકરાનો બાપ રોજ એને કંઇક સારુ સારુ ખવડાવતો હશે એટલે જ એ આવો તાજોમાજો છે. બીજા દિવસે જ્યારે બાપ-દિકરો રૂમમાં ગયા એટલે સાવકી મા બારણાની તિરાડમાંથી જોવા લાગી.
રૂમમાં જઇને પિતાએ ખુણામાં રાખેલા એક પુતળા પરથી ચાદર ખસેડી. પુતળુ બાળકની મૃત્યુ પામેલી મમ્મીનું હતુ. એના મૃત્યુ બાદ બાળકાના પિતાએ આ પુતળુ તૈયાર કરાવ્યુ હતુ. બાળક આ પુતળા પાસે ગયો અને રોજના ક્ર્મ પ્રમાણે પુતળાને ભેટ્યો. પુતળામાં ઇલેક્ટ્રીક સર્કીટ ગોઠવવામાં આવેલી જેનાથી માનો હાથ બાળકના માથા પર અને પીઠ પર ફરવા લાગ્યો. બાળક થોડો સમય એમ જ પોતાની માના પુતળાને વળગી રહ્યો અને માનુ પુતળુ પણ બાળકને વહાલ કરતુ રહ્યુ. સાવકી માને બાળકની તાજગીનું કારણ સમજાઇ ગયુ.
મરી ગયેલી માના પુતળાનો હાથ પણ દિકરાને તમામ વિપરિત પરિસ્થિતીઓની સામે તાજોમાજો રાખી શકતો હોય તો જીવતી માનો હાથ માથા પર ફરે એનું શું પરિણામ આવે ? તરોતાજા રહેવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે અજમાવી જુઓ.
તથા આજ તારુ હજી હેત તેવું, જળે માછલીનું જડ્યુ હેત તેવું,
ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું, મહા હેતવાળી દયાળી જ મા તું.
- દલપતરામ

No comments: